Editors Choice

3/recent/post-list

Dediyapada : પ્રકૃતિના ખોળે વસેલા દેડિયાપાડાના ગઢ ગામના ખેડૂત શ્રી મથુરભાઈ વસાવાએ પ્રાકૃતિક કૃષિને અપનાવી

 Dediyapada : પ્રકૃતિના ખોળે વસેલા દેડિયાપાડાના ગઢ ગામના ખેડૂત શ્રી મથુરભાઈ વસાવાએ પ્રાકૃતિક કૃષિને અપનાવી


૬ એકર જમીનમાં ૧૨ માસની મિશ્ર પાકોની પ્રાકૃતિક ખેતી કરનાર મથુરભાઈ અન્ય ખેડૂતો માટે પ્રેરણાસ્ત્રોત

નિરોગીમય જીવન જીવવા માટે પ્રાકૃતિક ખેતીને અપનાવવા મથુરભાઈનો ખેડૂતમિત્રોને અનુરોધ

ફળ-ફળાદી, ધાન્ય પાકોની પ્રાકૃતિક ખેતી મથુરભાઈને ફળી : ચાલુ વર્ષે ૬૪ મણ કેરીનું વેચાણ કર્યુ

ખેડૂતો સાથે સંવાદ સાધી સરકારની ખેતીલક્ષી સહાય વિશે માહિતી પુરી પાડતા શ્રી વસાવા

સંકલન:- ઊર્મિલા માહલા

રાજપીપલા, મંગળવાર:- પ્રાકૃતિક કૃષિ સમયની માંગ છે, ત્યારે પ્રાકૃતિક કૃષિને લઈને કેન્દ્ર-રાજ્ય સરકાર દ્વારા દેશના ખુણે-ખુણે પ્રાકૃતિક કૃષિના મહત્વ વિશે સમજ આપવા તથા જાગૃત કરવા માટે ખેડૂતો સાથે સંવાદ કરવામાં આવી રહ્યું છે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી તેમજ ગુજરાતના રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીના માર્ગદર્શન હેઠળ ગુજરાત સહિત નર્મદા જિલ્લામાં પણ પ્રાકૃતિક કૃષિને વેગ મળી રહ્યો છે. રસાયણિક ખેતી માત્ર જમીનને જ નહી પરંતુ માનવ સ્વાસ્થ્યને પણ નુકસાન કરી રહ્યું છે. ત્યારે ખેડૂતો પ્રાકૃતિક કૃષિનું મહત્વ સમજી રહ્યાં છે.

વાત કરીએ પ્રકૃતિના ખોળે વસેલા દેડિયાપાડાના ગઢ ગામની.. જ્યાં મથુરભાઈ વસાવાએ પ્રાકૃતિક કૃષિને અપનાવીને સંતોષ વ્યક્ત કરી રહ્યાં છે. શ્રી વસાવા સમજે છે કે પ્રાકૃતિક કૃષિની આજે તાતી જરૂરિયાત છે. પ્રાકૃતિક કૃષિમાં નહિવત ખર્ચ છે, ગુણવત્તા યુક્ત અને વધુ ઉત્પાદન મળે છે. ગઢ ગામની સીમમાં આવેલ ખુડદી ગામના વતની શ્રી વસાવાએ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર અને આત્મા પ્રોજેક્ટના અધિકારીઓના માર્ગદર્શન હેઠળ પ્રાકૃતિક કૃષિ વિશે સમજ કેળવી, તાલીમ મેળવીને પ્રાકૃતિક કૃષિ તરફ પ્રયાણ કર્યું. જેઓ આ જે અન્ય ખેડૂતો માટે પ્રેરણાસ્ત્રોત બની રહ્યાં છે. 

શ્રી મથુરભાઇ વસાવાએ જણાવ્યું કે, હું શરૂઆતમાં રસાયણિક ખાતર અને જંતુનાશક દવાનો વધુ પડતો ઉપયોગ કરતો હતો. જેનાથી જમીનની ફળદ્રુપતા ઘટતાની સાથે ઉત્પાદનમાં પણ ઘટ આવી હતી. આજે બિમારીઓનું વધી રહેલું પ્રમાણ જોતા હું પણ પ્રાકૃતિક કૃષિ તરફ પ્રેરાયો. હું વર્ષ ૨૦૧૭ થી 6 એકરમાં ગાય આધારિત ખેતી કરી રહ્યો છું. ઘરે જ જીવામૃત બનાવીને ઓછા ખર્ચેમાં પ્રાકૃતિક ખેતીમાંથી આવકને બમણી કરી છે. ચાલુ વર્ષે ૬૪ મણ કેરીનું વેચાણ કર્યુ છે. સાથોસાથ હું ગામડાઓમાં પણ પ્રાકૃતિક કૃષિથી ઉત્પાદિત શાકભાજીનું વેચાણ કરું છું. 

ઉલ્લેખનીય  છે કે, શ્રી વસાવા સ્થાનિક ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ તેમજ સરકારશ્રીની કૃષિલક્ષી યોજનાઓ અંગે પણ માહિતગાર કરી રહ્યાં છે. ખેડૂતો સાથે સંવાદ કરતા શ્રી મથુરભાઈ વસાવાએ પ્રાકૃતિક કૃષિ અંગે ખેડૂતોમાં જાગૃતતા વધારવા માટે ખેડૂત મિત્રોનું સાંકળ તૈયાર કર્યું છે. જે જિલ્લાના ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ અપનાવવા માટે પ્રેરિત કરી રહ્યાં છે. મથુરભાઈ વસાવા અન્ય ખેડૂત મિત્રો માટે પ્રેરણારૂપ સાબિત થઈ રહ્યાં છે. 

મથુરભાઈને સરકારશ્રી દ્વારા મળેલી સહાય:- 

જીજી આર.સી. દ્વારા દ્વીપ ઇરીગેશન સિસ્ટમ ઇન્સ્ટોલ, વેલા વાળી શાકભાજી માટે મંડપ અને આંબાવાડી બનાવવાની સહાય, પ્રેરણા પ્રવાસ, પ્રશિક્ષણ, વિવિધ પ્રકારના મિલેટ્સ પાકનું બિયારણ પાકના સંરક્ષણ માટે વિવિધ ફેરોમેન ટ્રેપ, સોલર ફેરોમેનટ્રેપ, પાવર વિડર, લણની કરેલ અનાજને સાફ કરવાનો પંખો. 

મથુરભાઇના ખેતરની વિશેષતા:-

મિશ્ર પ્રાકૃતિક ખેતીમાં આંબાની વાડીની અંદર અનેક પ્રકારની કેરી અને શાકભાજી કરેલ છે. જેવી કે દેશી ચોળી, ભીંડા, ગુવાર સીંગ, મગફડી, એલચી, લિંબુ અને મકાઈ કરેલ છે. સીઝન પ્રમાણે ખેતરમાં અલગ અલગ ધાન્ય પાક અને  સકરટેટી, તરબૂચની ફળફળાદી પણ કરે છે. જ્યારે મંડપની અંદર વિવિધ પ્રકારની વેલાવાડી શાકભાજી ગીલોડા, કંકોડા, કારેલા, દૂધી, હળદર, આદું, દેશી કાંદા, કાળી દ્રાક્ષ અને સુરણ કરેલ છે. 




પ્રકૃતિના ખોળે વસેલા દેડિયાપાડાના ગઢ ગામના ખેડૂત શ્રી મથુરભાઈ વસાવાએ પ્રાકૃતિક કૃષિને અપનાવી -------- ૬ એકર જમીનમાં ૧૨...

Posted by Info Narmada GoG on Monday, June 24, 2024

Post a Comment

0 Comments