આહવા (ડાંગ): મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઇ પટેલ ડાંગ જિલ્લાની બિલીઆંબા પ્રાથમિક શાળામાં બાળકોને શાળા પ્રવેશોત્સવ કરાવશે :
રાજ્યના મુખ્યમંત્રીશ્રી સહિત મંત્રીશ્રીઓ, વરિષ્ઠ અધિકારીઓ, સચિવશ્રીઓ તેમજ પદાધિકારીશ્રીઓ જિલ્લાની પ્રાથમિક શાળાઓમા બાળકોને શાળા પ્રવેશોત્સવ કરાવશે :
(ડાંગ માહિતી બ્યુરો): આહવા: તા: ૨૫: 'સૌ ભણે, સૌ આગળ વધે’ એવા ઉમદા આશયથી રાજ્ય સરકાર દ્વારા, તારીખ ૨૬ થી ૨૮ જૂન દરમિયાન રાજ્યવ્યાપી શાળા પ્રવેશોત્સવનુ આયોજન કરાયું છે.
શાળા પ્રવેશોત્સવના આ ૨૧મા તબ્બકામા રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઇ પટેલ સહિત વિવિધ કેબિનેટ અને રાજ્યકક્ષાના મંત્રીશ્રીઓ, વરિષ્ઠ અધિકારીઓ, સચિવશ્રીઓ તેમજ પદાધિકારીશ્રીઓ, રાજ્યની પ્રાથમિક શાળાઓમા બાળકોને શાળા પ્રવેશોત્સવ કરાવશે.
તારીખ ૨૬ ના રોજ ડાંગ જિલ્લાના એસ્પિરેશનલ બ્લોક સુબીર તાલુકાના અંતરીયાળ સરહદી વિસ્તારની બિલીઆંબા પ્રાથમિક શાળા ખાતે, રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઇ પટેલ આંગણવાડી અને પ્રાથમિક શાળામાં પ્રવેશ મેળવનાર નવાગંતુક બાળકોને શાળા પ્રવેશ કરાવશે.
મુખ્યમંત્રીશ્રીના આ શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ પ્રસંગે વિધાનસભા નાયબ દંડક શ્રી વિજયભાઇ પટેલ તેમજ સ્થાનિક વહિવટી તંત્રના અધિકારીઓ પદાધિકારીઓ ઉપસ્થિત રહેશે.
જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રી જીગ્નેશભાઇ ત્રીવેદી તરફથી પ્રાપ્ત થયેલ વિગતો અનુસાર મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઇ પટેલ પ્રથમ દિવસે બીલીઆંબા પ્રાથમિક શાળાની મુલાકાત લેશે. આ સાથે જ ડો.એસ મુરલીક્રિષ્ના-પ્રિન્સિપાલ સેક્રેટરી ટુ ગવર્મેન્ટ, ટ્રાઇબલ ડેવલોપમેન્ટ ડીપાર્ટમેન્ટ-ગાંધીનગર, શ્રી જય પ્રકાશ શિવહરે-મેનેજીંગ ડાયરેક્ટર, ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લી. ગાંધીનગર, શ્રી આઇ.ડી.ચૌધરી-ડેપ્યુટી સેક્રેટરી, નાણાં વિભાગ, સચિવાલય-ગાંધીનગર, શ્રી એ.એન.બીહોલા જોઇન્ટ સેક્રેટરી, ગૃહ વિભાગ સચિવાલય-ગાંધીનગર, શ્રી ભાવિન ડી.પટેલ ડેપ્યુટી સેક્રેટરી, મહેસુલ વિભાગ સચિવાલય, શ્રી એ.કે.ઉપાધ્યાય ડેપ્યુટી સેક્રેટરી, મહેસુલ વિભાગ સચિવાલય, શ્રી એમ.એમ.પટેલ, અધિક સ્ટેટ પ્રોજેક્ટ ડાયરેક્ટર, સમગ્ર શિક્ષા-ગાંધીનગર તેમજ ડાંગ જિલ્લા-તાલુકાના સ્થાનિક પદાધિકારીશ્રીઓ સાથે જિલ્લા વહિવટી તંત્રના વર્ગ ૧-૨ નાં અધિકારીશ્રીઓ જિલ્લાના અલગ અલગ વિસ્તારમાં ફરીને બાલવાટિકામાં કુલ-૫૦૯૭, ધોરણ-૧ માં કુલ-૧૫૨, ધોરણ-૯ માં કુલ-૫૦૨૬ અને ધોરણ-૧૧ માં કુલ-૪૦૯૩ મળીને જિલ્લાના ૧૪,૩૬૭ ભુલકાઓ, વિદ્યાર્થીઓ પ્રવેશ કરાવશે.
શાળા પ્રવેશોત્સવમાં આગામી તારીખ ૨૬ થી ૨૮ દરમિયાન રાજ્ય કક્ષાના ઉચ્ચ વરિષ્ઠ અધિકારીઓ, સ્થાનિક પદાધિકારીઓ, અધિકારીઓ વિગેરે જિલ્લામાં નિયત કરેલ કુલ ૪૯ રૂટ ઉપર ફરીને નવાગતુંક બાળકોને શાળા પ્રવેશ કરાવી, તેમને પ્રોત્સાહિત કરવા સાથે પ્રજાજનોમાં વ્યાપક લોકચેતના જગાવશે.
ઉલ્લેખનીય છે કે, રાજ્યના તત્કાલીન મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી દ્વારા વર્ષ ૨૦૦૨-૦૩મા શાળા પ્રવેશોત્સવની શરૂઆત કરવામા આવી હતી. રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ દ્વારા પાછલા બે દાયકાથી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની કન્યા કેળવણીની સંકલ્પના સાકાર કરવા શાળા પ્રવેશોત્સવ-કન્યા કેળવણી મહોત્સવ યોજવામાં આવે છે. રાજ્યના મુખ્યમંત્રીશ્રી તેમજ મંત્રીશ્રીઓ અને અધિકારીઓની ઉપસ્થિતીથી રાજ્યના વાલીઓમા પણ શિક્ષણ બાબતે જાગૃકતા આવી છે.
મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઇ પટેલ ડાંગ જિલ્લાની બિલીઆંબા પ્રાથમિક શાળામાં બાળકોને શાળા પ્રવેશોત્સવ કરાવશે : - રાજ્યના...
Posted by Info Dang GoG on Tuesday, June 25, 2024
0 Comments