Valsad: વલસાડ જિલ્લો બન્યો યોગમયઃ તિથલ સ્વામિનારાયણ મંદિરે જિલ્લા કક્ષાના વિશ્વ યોગ દિવસની ઉજવણી
શારીરિક અને માનસિક બિમારીઓને ભગાવવાનું કામ યોગ કરે છે:- સાંસદશ્રી ધવલભાઈ પટેલ
આવનારી પેઢીને પણ યોગનો વૈશ્વિક સ્તરે બહોળો ફેલાવો કરવા માટે સાંસદશ્રીએ આહવાન કર્યુ
શ્રીનગરથી વડાપ્રધાનશ્રી અને નડાબેટથી મુખ્યમંત્રીશ્રીનું પ્રેરક સંબોધનનું જીવંત પ્રસારણ સૌએ નિહાળ્યું
જિલ્લાના તમામ તાલુકા કક્ષાએ તેમજ સરકારી કચેરીઓમાં વિશ્વ યોગ દિનની શાનદાર ઉજવણી કરવામાં આવી
માહિતી બ્યુરોઃ વલસાડ, તા. ૨૧ જૂન
‘‘સ્વયં અને સમાજ માટે યોગ’’ના સંદેશ સાથે આજે તારીખ ૨૧ જૂનના રોજ વલસાડના રમણીય તિથલ બીચ પર સ્થિત સ્વામિનારાયણ મંદિરના ડોમમાં વલસાડ-ડાંગના સાંસદશ્રી ધવલભાઈ પટેલની અધ્યક્ષતામાં અંદાજે ૨૦૦૦ જેટલા લોકોએ યોગ, પ્રાણાયામ અને ધ્યાન કરી જિલ્લા કક્ષાના ૧૦માં વિશ્વ યોગ દિવસની શાનદાર ઉજવણી કરી હતી. કાર્યક્રમ દરમિયાન શ્રીનગરથી વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી અને નડાબેટથી મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનું પ્રેરક સંબોધનનું જીવંત પ્રસારણ ઉપસ્થિત સૌ કોઈએ નિહાળ્યું હતું.
વિશ્વ યોગ દિવસની સૌને શુભેચ્છા પાઠવી વલસાડના સાંસદ શ્રી ધવલભાઈ પટેલે જણાવ્યું કે, યોગએ પ્રાચીન કાળથી ઋષિમુનિઓ તરફથી આપણને મળેલી અમૂલ્ય ભેટ છે. અંદાજે પાંચ હજાર વર્ષથી યોગનું પ્રચલન છે પરંતુ તેની વિશ્વ કક્ષાએ નોંધ લેવાઈ ન હતી પરંતુ આપણા વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ યુનાઇટેડ નેશન્સની મહાસભામાં વર્ષ ૨૦૧૪માં ૨૧ જૂનને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે મનાવવા માટે પ્રસ્તાવ મૂક્યો અને યુનાઇટેડ નેશન્સની મહાસભાએ આ પ્રસ્તાવનો સ્વીકાર કરી ૨૧ મી જૂનને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઉજવવાનો ઐતિહાસિક નિર્ણય લીધો અને ત્યારથી એટલે કે, ૨૧ મી જૂન, ૨૦૧૫ થી દર વર્ષે સમગ્ર વિશ્વ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરે છે. તા. ૨૧ જૂન જ એટલા માટે પસંદ કરવામાં આવી કે, સમગ્ર વર્ષ દરમિયાન તા. ૨૧ જૂનનો દિવસ સૌથી લાંબો હોય છે.
યોગના અભ્યાસ પર વધુ ભાર મુકતા સાંસદશ્રીએ જણાવ્યું કે, દરેક રોગની સમસ્યાઓનું સમાધાન યોગ છે. રોજિંદા નિત્યક્રમમાં યોગને સ્થાન આપી આપણા શરીરને સ્વસ્થ રાખી શકીએ છીએ. યોગએ આપણી વિરાસત છે જે વિરાસત અને વિકાસને જોડે છે. આજના તણાવયુક્ત જીવનમાં શારીરિક અને માનસિક સ્વસ્થતા કેળવવા યોગએ ઉત્તમ માધ્યમ બન્યું છે. સ્વયં અને સમાજને સ્વસ્થ રાખવા માટે યોગ ખૂબ ફાયદાકારક છે, જેથી આવનારી પેઢીને પણ યોગનો વૈશ્વિક સ્તરે બહોળો ફેલાવો કરવા માટે આહવાન કરૂ છું. વધુમાં તેમણે રાજ્ય સરકારના રમત-ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના વિભાગ તથા વલસાડ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વિશ્વ યોગ દિવસની ઉજવણીનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે તે બદલ અભિનંદન પાઠવ્યા હતા. ત્યારબાદ ગુજરાત રાજ્ય યોગ બોર્ડના સાઉથ ઝોનના કો-ઓર્ડિનેટર પ્રીતિબેન પાંડેએ સ્ટેજ પરથી જિલ્લા કો-ઓર્ડિનેટર નિલેશ કોસિયા, યોગ કોચ દક્ષા રાઠોડ અને યોગ ટ્રેનર શીતલ ભાનુશાલી સાથે સૌને યોગના વિવિધ આસનો અને પ્રાણાયામ કરાવતા સૌએ વહેલી સવારમાં તાજગી અને સ્ફૂર્તિનો અનુભવ કર્યો હતો.
આ પ્રસંગે વલસાડના ધારાસભ્યશ્રી ભરતભાઈ પટેલ, જિલ્લા કલેકટર શ્રીમતી અનસૂયા જ્હાં, જિલ્લા વિકાસ અધિકારીશ્રી અતિરાગ ચપલોત, જિલ્લા પોલીસ અધિક્ષક ડો.કરણરાજ વાઘેલા, પ્રોબેશનરી આઈએએસ પ્રસન્નજીત કૌર, ડીવાયએસપી ભાર્ગવ પંડ્યા, જિલ્લા રમત ગમત અધિકારી જી.જી.વળવી, જિલ્લા યુવા વિકાસ અધિકારી હેમાલી જોશી અને જિલ્લા રમત વિકાસ અધિકારી અલ્કેશ પટેલ સહિતના મહાનુભાવો અને વિવિધ કચેરીના અધિકારીઓ, કર્મચારીઓ, પોલીસ જવાનો, વિદ્યાર્થીઓ અને નાગરિકોએ મોટી સંખ્યામાં યોગ દિવસની ઉજવણીમાં જોડાયા હતા.
ઉલ્લેખનીય છે કે, વિશ્વ યોગ દિવસની ઉજવણી વલસાડ જિલ્લાના તમામ તાલુકા કક્ષાએ તેમજ વિવિધ કચેરીઓ, પ્રાથમિક અને સામૂહિક આરોગ્ય કેન્દ્રો, સબ સેન્ટરો, પોલીસ સ્ટેશનો ખાતે પણ કરવામાં આવી હતી. જેને પગલે વલસાડ જિલ્લો યોગમય બન્યો હતો.
વલસાડ જિલ્લો બન્યો યોગમયઃ તિથલ સ્વામિનારાયણ મંદિરે જિલ્લા કક્ષાના વિશ્વ યોગ દિવસની ઉજવણી ---- શારીરિક અને માનસિક...
Posted by INFO Valsad GOV on Friday, June 21, 2024
0 Comments